પંજાબના ગાઢ ધુમ્મસમાં ગુજરાતનો પરિવાર હોમાયો: થરાદના જેતડાની લેડી કોન્સ્ટેબલ સહિત 5નાં કરૂણ મોત
ગુજરાતનો પરિવાર હોમાયો
ગુજરાતનો પરિવાર હોમાયો પંજાબમાં ગાઢ ધુમ્મસનો કહેર યથાવત્ રહ્યો છે. શનિવારે સવારે બઠિંડા જિલ્લાના ગુડતડી ગામ પાસે નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર કાર અથડાતા ગુજરાતના વાવ–થરાદ જિલ્લાના લેડી કોન્સ્ટેબલ સહિત પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા.

અકસ્માત એટલો ગંભીર હતો કે ફોર્ચ્યુનર કાર સંપૂર્ણ રીતે પડીકું વળી ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ભારે મહેનત બાદ કારમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા.

મૃતકોની ઓળખ અરજણ સુબા, સતીશ, જનક, ભરત અને અમિતાબેન કરશનભાઈ તરીકે થઈ છે. તમામ મૃતકો વાવ–થરાદ જિલ્લાના રહેવાસી હતા અને તેમની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચે હોવાનું જણાવાયું છે. થરાદ તાલુકાના જેડતા ગામના અમિતાબેન કરશનભાઈ મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

બઠિંડાના એસપી નરેન્દ્ર સિંહે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ તમામ લોકો ફોર્ચ્યુનર કારમાં શિમલા ફરવા ગયા હતા. પરત ફરતી વખતે ગાઢ ધુમ્મસના કારણે ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ, જેના કારણે આ કરૂણ અકસ્માત થયો.

