આસોદર બનશે આદર્શ ગામ: થરાદ PI એ.ટી. પટેલે દત્તક લઈ વિકાસ માટે કમર કસી
આસોદર બનશે આદર્શ ગામ
આસોદર બનશે આદર્શ ગામ થરાદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ટી. પટેલે આસોદર ગામને દત્તક લઈને તેને આદર્શ ગામ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ ગામમાંથી સામાજિક બદીઓ દૂર કરીને શિક્ષણ, આરોગ્ય અને કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે.
આસોદર બનશે આદર્શ ગામ

ગૃહ વિભાગની માર્ગદર્શિકા મુજબ દરેક પોલીસ ઇન્સ્પેક્ટરને એક ગામ દત્તક આપવામાં આવ્યું છે. વાવ-થરાદના પોલીસ અધિક્ષક ચિંતન તેરેની સૂચના હેઠળ આ અભિયાન હાથ ધરાયું છે, જેથી ગામના પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય અને પોલીસ તથા ગ્રામજનો વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત બને.
આ સંદર્ભે પીઆઈ એ.ટી. પટેલે આસોદર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી અને સરપંચ ઈશ્વરભાઈ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન શિક્ષણ, આરોગ્ય, કાયદો-વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી ગામની હાલની પરિસ્થિતિ અને જરૂરિયાતોની માહિતી મેળવી હતી.
સરપંચ ઈશ્વરભાઈએ જણાવ્યું કે આસોદર ગામને સરકાર દ્વારા મોડેલ ગ્રામ પંચાયત તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને વાવ-થરાદ જિલ્લામાં તે પ્રથમ ક્રમે સ્થાન ધરાવે છે. ગામમાં સીસીટીવી કેમેરા અને સ્પીકર સિસ્ટમ જેવી સુવિધાઓનો સફળ ઉપયોગ થઈ રહ્યો છે, જે સુરક્ષા અને જનજાગૃતિમાં સહાયક બની રહી છે.
અંતે, પીઆઈ એ.ટી. પટેલ અને સરપંચ ઈશ્વરભાઈએ સાથે મળીને આસોદરને સર્વાંગી વિકાસ તરફ આગળ વધારવા અને દરેક પ્રશ્નનો ત્વરિત ઉકેલ લાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.