વાવ-થરાદ જિલ્લામાં લાખણી-ગેળા માર્ગની બિસ્માર હાલત: 2015ના પૂરથી ખખડધજ બનેલો રોડ આજે પણ અવ્યવસ્થિત, ભક્તો અને વાહનચાલકો પરેશાન
લાખણી-ગેળા માર્ગની બિસ્માર હાલત
લાખણી-ગેળા માર્ગની બિસ્માર હાલત વાવ-થરાદ જિલ્લાના લાખણી નજીકથી યાત્રાધામ ગેળા હનુમાન દાદાના મંદિરે જતો ચાર કિલોમીટરનો માર્ગ આજે પણ અત્યંત બિસ્માર હાલતમાં છે. વર્ષો પહેલાં, 2015 અને 2017ના પૂર દરમિયાન આ રોડને ગંભીર નુકસાન થયું હતું. પરંતુ તંત્ર દ્વારા અત્યાર સુધી કાયમી સમારકામના બદલે માત્ર કામચલાઉ થીગડા મારીને સંતોષ માનવામાં આવ્યો છે, જેના કારણે લોકોમાં ભારે નારાજગી વ્યાપી રહી છે.
લાખણી-ગેળા માર્ગની બિસ્માર હાલત
આ માર્ગ પરથી દરરોજ સૈંકડો વાહનો પસાર થાય છે, જ્યારે દર શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો ગેળા હનુમાન દાદાના દર્શન કરવા માટે પગપાળા તથા વાહનોમાં પહોંચે છે. રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેનાથી વાહનચાલકોને અકસ્માતનો ખતરો અને સ્થાનિક પ્રજાને ભારે તકલીફનો સામનો કરવો પડે છે.
લાખણી વેપારી કેન્દ્ર અને તાલુકા મથક હોવાથી આ માર્ગ ગેળા, ગણતા, લાલપુર, ડોડિયા સહિત થરાદ અને ધાનેરા તાલુકાના ગામોને જોડે છે. તેમ છતાં, રોડની હાલત વર્ષોથી સુધારાની રાહ જોઈ રહી છે.
સ્થાનિક નાગરિકો અને ભક્તોએ જણાવ્યું કે, અનેક વાર તંત્ર અને જાહેર પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાયમી પગલાં લેવામાં આવ્યા નથી. આશ્ચર્યની વાત એ છે કે મંત્રીઓ અને અધિકારીઓ પણ આ માર્ગ પરથી મંદિરે જતા હોવા છતાં, રોડની હાલત સુધારવા પ્રત્યે તંત્ર નિષ્ક્રિય રહ્યું છે.
લોકોમાં હવે માંગ ઉઠી છે કે વાવ-થરાદ જિલ્લાના બંને મત વિસ્તારના ધારાસભ્યો મળીને આ રોડ માટે ગ્રાન્ટ ફાળવે અને તાત્કાલિક રીતે પેવર રોડનું નિર્માણ થાય, જેથી યાત્રાળુઓ અને ગ્રામજનોને રાહત મળી શકે.

એક શ્રદ્ધાળુએ જણાવ્યું —
“દાદાના દર્શને આવીએ છીએ, પણ રસ્તો એટલો ખરાબ છે કે સફર પોતે એક કઠિન પરીક્ષા બની જાય છે. કામચલાઉ સમારકામથી કાંઈ હલ નથી થતું; હવે કાયમી સમારકામ જરૂરી છે.”
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |