ખેંગારપુરા આયુષ્માન આરોગ્ય મંદિરના બાંધકામમાં ગેરરીતિનો ભડકો: ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી
ખેંગારપુરા આયુષ્માન આરોગ્ય મંદિર
ખેંગારપુરા આયુષ્માન આરોગ્ય મંદિરના બાંધકામમાં ગેરરીતિનો ભડકો: ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી ખેંગારપુરા ગામમાં નિર્માણાધીન આયુષ્માન આરોગ્ય મંદિરના બાંધકામને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે સરકારી આરોગ્ય સુવિધા માટે બનતું આ મહત્વપૂર્ણ મકાન હલકી ગુણવત્તાના મટીરીયલથી બનાવાઈ રહ્યું છે, જે ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે. આ મુદ્દે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

ખેંગારપુરા આયુષ્માન આરોગ્ય મંદિર બાંધકામમાં ધોરણોની ઉલ્લંઘના
ગ્રામજનોના જણાવ્યા મુજબ, સાઇટ પર વપરાતી ઈંટો ગુણવત્તાવિહીન છે અને સરકારના નક્કી કરેલા માપદંડોને અનુરૂપ નથી. નકશા અને એસ્ટીમેટ મુજબ હોવી જોઈએ તેવી પ્લીન્થ બીમની સાઈઝ નાની રાખવામાં આવી હોવાનો પણ આરોપ છે. સાથે સાથે, લોખંડની ગુણવત્તા અને કોંક્રિટના મિશ્રણ અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ખાસ કરીને કોલમમાં સળિયાનું જોડાણ (લૂપિંગ) ઓછામાં ઓછું બે ફૂટ હોવું જરૂરી હોવા છતાં, માત્ર ચાર ઇંચનું રાખવામાં આવતું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. આ પ્રકારની બેદરકારીને કારણે આખું બાંધકામ નબળું બનવાની શક્યતા છે.
રજૂઆત સામે ધમકીનો આરોપ
ગ્રામજનોએ જ્યારે આ ખામીઓ અંગે સાઇટ પર હાજર કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને રજૂઆત કરી, ત્યારે સુધારાની જગ્યાએ ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે. ગ્રામજનોને ધમકી આપવામાં આવી કે તેઓ જ્યાં ઇચ્છે ત્યાં ફરિયાદ કરે, ગાંધીનગર સુધી જાય તો પણ કોઈ અસર નહીં થાય.

આ બાબતે વસરામભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આયુષ્માન મંદિર જેવા મહત્વના પ્રોજેક્ટમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું જોઈ તેઓએ કોન્ટ્રાક્ટરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના બદલે તેમને ધમકી આપવામાં આવી.
તંત્ર પાસેથી કાર્યવાહી કરવાની માંગ
આ સમગ્ર મામલે વસરામભાઈ ચૌધરી સહિત આશરે ૧૫થી ૨૦ યુવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું છે. સાથે સાથે ટીડીઓ અને પીડબલ્યુડી વિભાગને પણ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે તાત્કાલિક સાઇટની તપાસ કરવામાં આવે, મટીરીયલના નમૂનાઓ લેબોરેટરીમાં ચકાસવામાં આવે અને દોષિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે. સરકારી યોજનાનો હેતુ જનહિત છે, ત્યારે આવા બાંધકામમાં પારદર્શકતા અને ગુણવત્તા જળવાય તે માટે તંત્રની જવાબદારી નિભાવવાની માંગ ગ્રામજનોએ દૃઢપણે વ્યક્ત કરી છે.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો