શિક્ષક મંડળીની પારદર્શિતા પર પ્રશ્નચિહ્ન: સભાસદોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
આવેદનપત્ર
બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે આજે સભાસદોની સંઘર્ષ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંડળીના વર્તમાન હોદ્દેદારો સામે છેલ્લા દસ વર્ષથી ચાલી રહેલી અનિયમિતતાઓને લઈને ઉગ્ર વિરોધ નોંધાયો હતો.
સભાસદોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
સભાસદોએ આક્ષેપ કર્યો કે છેલ્લા દસ વર્ષથી મંડળીના હિસાબો જાહેર કરવામાં આવ્યા નથી, વાર્ષિક અહેવાલ રજૂ કરાયા નથી અને કોઈ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ નથી. ઉપરાંત, સભાસદ બોનસની ચુકવણી અને ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

સમિતિએ વધુમાં જણાવ્યું કે મંડળી પાસે દસ હજારથી વધુ શિક્ષિત સભાસદો હોવા છતાં પણ અન્ય બેંકો પાસેથી મોર્ગેજ લોન અને કેશ ક્રેડિટ લેવાની પરિસ્થિતિ શા માટે ઊભી થઈ રહી છે તે સવાલ છે.
આ ઉપરાંત, એક પણ તાલુકામાં નવા ડિરેક્ટરોની પસંદગી ન થવી અને ખુલ્લી સાધારણ સભા ન યોજવી જેવા મુદ્દાઓ પર પણ સભાસદોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

બેઠક બાદ સંઘર્ષ સમિતિના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર સુપરત કરીને તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માગણી કરી. સમિતિએ ચેતવણી આપી કે જો આવનારા સમયમાં માંગણીઓ પર સંતોષકારક નિર્ણય નહીં લેવાય, તો સભાસદો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન શરૂ કરશે.

| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |
