March 12, 2026

UGC 2026 સુધારા સામે થરાદમાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, સામાન્ય વર્ગ પર અસમાનતા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર

0
UGC 2026

UGC 2026

થરાદ ખાતે UGC 2026માં સૂચિત સુધારાઓ સામે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. રેલી બાદ પ્રાન્ત કચેરી ખાતે વાવ–થરાદના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી, સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ પર થતી અસમાનતા, માનસિક દબાણ અને કાયદાકીય ભય અંગે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી હતી.

UGC 2026

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે UGC દ્વારા વર્ષ 2026માં લાવવામાં આવેલા નવા નિયમો અને સુધારાઓ શિક્ષણ સુધારાના નામે વર્ગીય અસમાનતા અને ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. આ નિયમો અમલમાં આવ્યા બાદ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને સતત પ્રશાસનિક અને કાયદાકીય દબાણ હેઠળ શિક્ષણ લેવું પડશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલની વ્યવસ્થામાં પહેલેથી જ SC/ST એક્ટ જેવી વિશેષ કાયદાકીય જોગવાઈઓ અમલમાં છે, જેમાં પ્રાથમિક તપાસ વિના સીધા કેસ નોંધાઈ શકે છે. UGC 2026ના નવા માળખા બાદ આ સ્થિતિ વધુ ગંભીર બનશે અને OBC/SC/ST વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક કે વ્યક્તિગત વિવાદોને સીધા ફોજદારી કેસમાં ફેરવવાની શક્યતા વધી જશે.

આવા સંજોગોમાં સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ ડર અને માનસિક દબાણના માહોલમાં અભ્યાસ કરવા મજબૂર બનશે. ખોટા કે આધારવિહીન કેસોમાં પણ વિદ્યાર્થીનું ભવિષ્ય અને કારકિર્દી બરબાદ થવાની પરિસ્થિતિ ઊભી થશે, તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ રજૂઆત કોઈપણ સમાજ કે વર્ગના વિરોધમાં નથી, પરંતુ કાયદાના સંભવિત દુરુપયોગને રોકવા અને તમામ વિદ્યાર્થીઓ માટે સમાન, સુરક્ષિત તથા નિર્ભય શૈક્ષણિક વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે છે. હાલ શિક્ષણ સંસ્થાઓ જ્ઞાનના કેન્દ્ર તરીકે નહીં, પરંતુ ડર અને કેસબાજીના માહોલમાં ફેરવાઈ રહી હોવાનું પણ જણાવાયું હતું.

વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે ફી વધુ, તકો ઓછી અને જોખમ સૌથી વધારે એવી અસમાન વ્યવસ્થા ઉભી થઈ રહી છે, જે બંધારણમાં આપેલી સમાનતાની ભાવનાના વિરોધમાં છે. જો UGC 2026ના આ સુધારાઓ અમલમાં આવશે, તો લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા પહેલાં “કેસ થશે કે નહીં?” એ વિચારવા મજબૂર થશે અને પ્રતિભા કરતાં સાવચેતીને વધુ મહત્વ મળશે.

આવેદનપત્રમાં મુખ્ય ચાર માંગણીઓ રજૂ કરવામાં આવી હતી:
1️⃣ UGC 2026ના સૂચિત તમામ વિદ્યાર્થી-વિરોધી સુધારાઓ તાત્કાલિક સ્થગિત કરવામાં આવે.
2️⃣ શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈપણ કાયદાકીય કેસ નોંધતા પહેલા નિષ્પક્ષ, ફરજિયાત અને લેખિત પ્રાથમિક તપાસની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે.
3️⃣ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને પણ સમાન કાયદાકીય સુરક્ષા અને ન્યાયસંગત અધિકાર આપવામાં આવે.
4️⃣ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદોની વ્યાપક ચર્ચા અને સંમતિ વિના કોઈપણ નવો નિયમ અમલમાં ન મૂકવામાં આવે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed