વાવ-થરાદમાં UPSC પ્રત્યે જાગૃતિ માટે કલેક્ટરનો અનોખો પ્રયોગ, જુલાઈમાં પ્રિ-ટેસ્ટ કસોટી
વાવ-થરાદમાં UPSC
વાવ-થરાદમાં UPSC વાવ-થરાદ જિલ્લામાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ પ્રેરિત કરવા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીના માર્ગદર્શન હેઠળ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની પેટર્ન મુજબ પ્રિ-ટેસ્ટ કસોટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાશે.
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તમામ શાળાના આચાર્યોને પત્ર પાઠવી આ અંગે સત્તાવાર જાણ કરવામાં આવી છે. ચાલુ વર્ષે ધોરણ 12 (HSC) ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ આ પ્રિ-ટેસ્ટમાં ભાગ લઈ શકશે. પરીક્ષા સંપૂર્ણપણે UPSC ના ધોરણો અનુસાર લેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનો પ્રાથમિક અનુભવ મળી શકે.
વાવ-થરાદમાં UPSC

અભ્યાસક્રમમાં શું રહેશે?
આ પ્રિ-ટેસ્ટ માટે નિર્ધારિત અભ્યાસક્રમમાં નીચેના વિષયોનો સમાવેશ કરાયો છે:
- મનોરમા યર બુક-2026
- NCERT ધોરણ 6 થી 12
- ભારતીય બંધારણ
- એરેથમેટિક અને રિઝનીંગ
- અંગ્રેજી વ્યાકરણ
- કરંટ અફેર્સ
- જનરલ નોલેજ (ઇતિહાસ, ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, પર્યાવરણ)
આ આયોજનનો મુખ્ય હેતુ સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવો અને તેમને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે તૈયાર કરવો છે.
રોકડ પુરસ્કારથી પ્રોત્સાહન
વિદ્યાર્થીઓને વધુ ઉત્સાહિત કરવા જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ઉપરાંત દરેક તાલુકા સ્તરે પણ ટોચના ત્રણ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.
જિલ્લા શિક્ષણાધિકારી દિનેશ ત્રિવેદીએ જણાવ્યું છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે વ્યાપક આયોજન ચાલી રહ્યું છે. તેમણે શિક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને આ અનોખી પહેલમાં સહભાગી થવા અપીલ કરી છે.
કલેક્ટરના આ નવતર પ્રયાસને સરહદી વિસ્તારના વાલીઓ અને શિક્ષણજગત તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ પહેલ વાવ-થરાદ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે નવી તકોના દ્વાર ખોલી શકે છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |