વાવમાં નર્મદા જમીન સંપાદન મુદ્દે ખેડૂતનો રોષ: સમાન વળતર નહીં તો ‘ઈચ્છા મૃત્યુ’ની માંગ સાથે કલેક્ટરને પત્ર
વાવમાં નર્મદા જમીન સંપાદન
વાવમાં નર્મદા જમીન સંપાદન વાવ તાલુકામાં નર્મદા પ્રોજેક્ટ હેઠળ થયેલા જમીન સંપાદન મામલે એક ખેડૂતે અસમાન વળતર મળ્યાનો આક્ષેપ કરી નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂતે થરાદ કલેક્ટર કચેરીને પત્ર લખીને સમાન અને ન્યાયસંગત વળતર આપવાની માંગ કરી છે, તેમજ ન્યાય ન મળે તો ‘ઈચ્છા મૃત્યુ’ની પરવાનગી આપવા વિનંતી કરી છે.
વાવમાં નર્મદા જમીન સંપાદન મુદ્દે ખેડૂતનો રોષ

મળતી માહિતી અનુસાર, એક જ ગામમાં અને એક જ પ્રોજેક્ટ હેઠળ થયેલા જમીન સંપાદનમાં કેટલાક ખેડૂતોને જંત્રીના બે ગણાં ભાવ સાથે 9%, 12% અને 15% વ્યાજ સહિત સંપૂર્ણ વળતર મળ્યું છે. પરંતુ અન્ય કેટલાક ખેડૂતોને માત્ર 1.5 ગણાં જંત્રી ભાવ અને મર્યાદિત વ્યાજ સાથે આંશિક ચુકવણી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ અસમાનતા સામે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
વાવના રહેવાસી નરેશકુમાર રાણાજી વેંઝિયાએ કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે LAQ કેસ નં. 84/2024 અને 79/2024માં ખેડૂતોને જંત્રીના બે ગણાં વળતર સાથે 9%, 12% અને 15% વ્યાજની ચુકવણી થઈ છે. જ્યારે LAQ કેસ નં. 173/2024ના સર્વે નં. 1620.001 હેઠળ તેમની જમીન માટે માત્ર 0.5 ગણાં જંત્રી ભાવ અને 12% વ્યાજમાં કપાત કરીને આંશિક વળતર આપવામાં આવ્યું છે.
પત્રમાં તેમણે જણાવ્યું છે કે તેમની જમીનને ‘સંપાદિત’ તરીકે નોંધવામાં આવી છે, પરંતુ પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું નથી, જે ન્યાયસંગત નથી. આ મુદ્દે તેમણે કલેક્ટર કચેરીથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય અને કેન્દ્રીય મંત્રાલય સુધી અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં હજુ સુધી યોગ્ય ન્યાય મળ્યો નથી.
આ ઉપરાંત જિલ્લા નિરીક્ષક જમીન દફતર, મોજણી ભવન પાલનપુર દ્વારા થરાદથી વાવ ગામ વચ્ચેના અંતરની ગણતરીમાં ભૂલ થઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતે આ અંતરની પુનઃચકાસણી કરવાની માંગણી કરી છે. તેમજ ખેડૂતોને વારંવાર કોર્ટમાં જવાની સલાહ આપવામાં આવે છે, જે યોગ્ય નથી તેમ પણ જણાવ્યું છે.
ખેડૂત નરેશકુમાર વેંઝિયાએ માંગ કરી છે કે પૂર્ણ વળતર ચૂકવાય ત્યાં સુધી જમીન સંપાદનની નોંધ તાત્કાલિક સ્થગિત રાખવામાં આવે. સાથે જ બાકી રહેલા 0.5 ગણાં જંત્રી ભાવ તથા 12% વ્યાજ સાથે ન્યાયસંગત એવોર્ડ જાહેર કરી વળતરની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે.
પત્રના અંતમાં તેમણે ચેતવણી આપી છે કે જો સમયસર ન્યાયસંગત વળતર નહીં મળે તો જીવનનિર્વાહમાં મુશ્કેલી ઉભી થવાને કારણે તેમને ન્યાયસંગત વળતર અથવા ‘ઈચ્છા મૃત્યુ’ની પરવાનગી આપવા પર વિચાર કરવો પડશે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |