Tharad Ganesh Chaturthi: વાવ-થરાદ જિલ્લાની રચના થયા બાદ પ્રથમ વખત જિલ્લા પોલીસ પરિવાર દ્વારા થરાદમાં સાર્વજનિક ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગણપતિ મહોત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોની સાથે નાગરિકોમાં સુરક્ષા અને કાયદા અંગે જાગૃતિ આવે તે માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજાશે.
વાવ થરાદ પોલીસ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન – Tharad Ganesh Chaturthi
મહોત્સવ દરમિયાન પોલીસ વિભાગની ‘સુરક્ષા સેતુ’ પહેલ અંતર્ગત લોકોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને મહિલા સુરક્ષા, બાળ સુરક્ષા અને વડીલોની સુરક્ષા અંગે જરૂરી માહિતી આપવામાં આવશે.
હાલમાં સાયબર ક્રાઇમના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે નાગરિકોને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું, અજાણી લિંક કે કોલથી કેવી રીતે સાવચેત રહેવું સહિતની જરૂરી માહિતી પણ આપવામાં આવશે.

આ ઉપરાંત વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને રસ્તા પર સલામત ડ્રાઇવિંગ અંગે જાગૃત બને તે માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
આ પણ વાંચો: ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કરતી વખતે ન કરતા આ ભૂલો, જાણો કયા નિયમોનું રાખવું ધ્યાન
પોલીસ પરિવાર દ્વારા ગણપતિ મહોત્સવને માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો સીમિત ન રાખી તેને જનસંપર્ક અને જનજાગૃતિનું માધ્યમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પોલીસ અને નાગરિકો વચ્ચે વધુ સારો સંપર્ક અને વિશ્વાસ ઊભો થાય તેવો હેતુ છે.
વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા પહેલીવાર યોજાઈ રહેલા આ સાર્વજનિક ગણપતિ મહોત્સવમાં જિલ્લાના નાગરિકોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે. થરાદમાં યોજાનારો આ મહોત્સવ ભક્તિ સાથે જનસુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ આપતો વિશેષ પ્રયાસ બની રહેશે.

