Vav Tharad: વાવ-થરાદ વિસ્તારમાં લાંબા સમયથી વરસાદ ન પડતાં ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. વરસાદના અભાવે ખેતરોમાં ઊભેલો ખરીફ પાક સુકાવા લાગ્યો છે અને ગરમી વધતાં પાકને વધુ નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.
આ પરિસ્થિતિને લઈને કિશાન સંઘ દ્વારા વાવ-થરાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ખેડૂતોની હાલની સ્થિતિ રજૂ કરી સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગ કરવામાં આવી છે.
કિશાન સંઘના જણાવ્યા મુજબ, ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ, ખાતર અને દવાઓ ખરીદીને ખેતીમાં મોટો ખર્ચ કર્યો છે. પરંતુ લાંબા સમયથી વરસાદ ન પડતાં પાકને નુકસાન થવાની શક્યતા વધી છે. જો સમયસર વરસાદ નહીં આવે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
ખેડૂતો માટે આ મુખ્ય માંગણીઓ – Vav Tharad
- ખેડૂતોનું રૂ. 3 લાખ સુધીનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે.
- બેન્કો અને સહકારી મંડળીઓ દ્વારા લોનની વસૂલાત હાલ પૂરતી અટકાવવામાં આવે.
- ખેડૂતોને વ્યાજમાં રાહત આપવામાં આવે.એક વર્ષ માટે ખેતીના વીજ બિલમાંથી સંપૂર્ણ રાહત આપવામાં આવે.
- પાક વીમો ધરાવતા ખેડૂતોને ઝડપી અને યોગ્ય વળતર આપવામાં આવે.
- પશુપાલકો માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે.
- સિંચાઈ માટે જરૂરી પાણીની વ્યવસ્થા કરવામાં આવે.
કેનાલોમાં પાણી છોડવાની માંગ
કિશાન સંઘે ખાસ કરીને સુજલામ-સુફલામ અને નર્મદાની માઇનોર કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવા રજૂઆત કરી છે, જેથી સિંચાઈના પાણીથી પાકને બચાવી શકાય.
આ પણ વાંચો: વરસાદ ખેંચાતા ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય: ગુજરાતના ખેડુતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વિજળી મળશે
વાવ-થરાદમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર ખેડૂતો માટે તાત્કાલિક રાહત અને વળતર અંગે નિર્ણય લે તેવી માંગ કિશાન સંઘ અને ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

