Gujju love Guru News: ઉતર ગુજરાતના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કોમેડી કલાકાર ચંદન રાઠોડ ઉર્ફે ‘ગુજ્જુ લવ ગુરુ’ (Gujju Love Guru)નું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. તેમના દુઃખદ અવસાનથી વાવ-થરાદ અને સુઈગામ પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ચંદન રાઠેડે હજુ 5 કલાક પહેલાં જ મિત્રના અવસાનની ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી લગાવી હતી. ત્યાં હવે તેમનું અકાળે અવસાન થતાં તેમના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે.
Gujju love Guru નું અકસ્માતમાં મોત
ચંદન રાઠોડ ઉર્ફે ‘ગુજ્જુ લવ ગુરુ’એ લગભગ 5 કલાક પહેલાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. સ્ટોરીમાં ‘સુઈગામના સાવજ’ના અવસાનને લઈને તેમણે લખ્યું હતું, “સુઈગામનો સાવજ બધાને એકલા મુકીને જતો રહ્યો, મારા રૂપસી બાનો સહારો જતો રહ્યો.”

પરંતુ આ સ્ટોરી શેર કર્યાના થોડા કલાકો બાદ જ ચંદન રાઠોડનું પણ રોડ અકસ્માતમાં મોત થયું હોવાની માહિતી સામે આવી છે. ખાસ વાત એ છે કે તેમના છેલ્લા વીડિયોમાં પણ જિંદગી અને મોતને લઈને વાત કરવામાં આવી હતી. હવે તેમના અચાનક અવસાન બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કઈ જગ્યાએ અકસ્માત થયો?
ભાભર-સુઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચંદનભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં આસપાસથી લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્મતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચંદનભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
ચંદન રાઠોડ ઉત્તર ગુજરાતમાં જાણીતા નામ હતા. સુઈગામના એક સામાન્ય પરિવારમાંથી આવતા ચંદન રાઠોડે પોતાની આગવી પ્રતિભા અને મહેનતના જોરે સોશિયલ મીડિયામાં પોતાની અલગ ઓળખ બનાવી હતી.ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેમની મોટી ફેન ફોલોઈંગ હતી. ઇન્સ્ટાગ્રામ પર તેમને 18 લાખથી વધુ ફોલોઅર્સ હતા, જ્યારે તેમની ‘Gujju Love Guru’ નામની યુટ્યુબ ચેનલને 9.85 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ હતા. તેમના અચાનક અવસાનના સમાચારથી તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે.

