Tharad Tiranga Yatra: સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે થરાદમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. સરહદી વિસ્તારમાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તિરંગો હાથમાં લઈને જોડાયા હતા. આખું થરાદ જાણે દેશભક્તિના રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
યાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વડીલો સહિત વિવિધ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રસ્તાઓ પર હાથમાં લહેરાતા તિરંગા અને દેશભક્તિના ગીતોથી વાતાવરણમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
થરાદમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ – Tharad Tiranga Yatra
પોલીસ બેન્ડ સાથે નીકળેલી તિરંગા યાત્રા દરમિયાન ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ ના નારાથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો અને NDRFની ટીમે પણ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે તિરંગો દેશની આન, બાન અને શાનનું પ્રતીક છે. ‘હર ઘર તિરંગા’ જેવા અભિયાનથી લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત થઈ રહી છે.
આ પણ વાચો: 15 ઓગસ્ટે બાઈક કે કારમાં ત્રિરંગો લગાવવાનું વિચારો છો? તો જાણી લો નિયમ, નહીં તો થશે જેલ!
ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે પણ યાત્રામાં જોવા મળેલા જનસહભાગને લઈને કહ્યું કે થરાદમાં મોટી સંખ્યામાં લોકોનું જોડાવું એ લોકોના હૃદયમાં રહેલી દેશભક્તિ દર્શાવે છે.તિરંગા યાત્રામાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી સ્વરૂપજી ઠાકોર અને પરબત પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હજારો લોકોની હાજરી અને દેશભક્તિના નારાઓ વચ્ચે યોજાયેલી આ યાત્રાએ થરાદમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો.





