Vav Tharad LCB Nabs Thief: થરાદ તાલુકાના વડગામડામાંથી ચોરાયેલી મોટરસાઇકલનો ભેદ વાવ-થરાદ LCB પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીની બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, LCB પોલીસની ટીમ થરાદ વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓની તપાસ માટે પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન ચારડા ગામના પાટિયા પાસે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ પર જઈ રહેલા એક શખ્સને પોલીસે અટકાવ્યો હતો.
વડગામડા બાઇક ચોરીનો ભેદ Vav Tharad LCB પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો
પોલીસે તપાસ કરતાં તેની પાસે બાઈકના કોઈ દસ્તાવેજો મળી આવ્યા નહોતા. ત્યારબાદ પોલીસે તેની પૂછપરછ કરતાં બાઈક વડગામડામાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બાઈકના એન્જિન અને ચેસીસ નંબરની તપાસ કરતાં તેનો રજીસ્ટ્રેશન નંબર GJ-27-BB-4109 હોવાનું સામે આવ્યું. વધુ તપાસમાં આ બાઈક અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું પણ બહાર આવ્યું હતું.
આ પણ વાચોં: વાવ-થરાદ અને બનાસકાંઠાના 65 CNG પંપ 24 કલાક બંધ રહેશે, ડીલરોનો મોટો નિર્ણય
પોલીસે ચોરીની બાઈક કબજે કરી કરશન પટેલ (રહે. બુકણા, તા. વાવ, જિ. વાવ-થરાદ)ને ઝડપી લીધો છે. આરોપીને આગળની કાર્યવાહી માટે થરાદ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCBની ઝડપી કાર્યવાહીથી વાહનચોરીનો ગુનો થોડા જ કલાકોમાં ઉકેલાઈ ગયો છે.

