CNG Pump Close: વાવ-થરાદ અને બનાસકાંઠાના CNG વાહનચાલકો માટે મહત્વના સમાચાર છે. IRM CNG પંપ ડીલરોના પડતર પ્રશ્નોનો હજુ સુધી ઉકેલ ન આવતા 65 CNG પંપ 24 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીલરોના જણાવ્યા મુજબ આ બંધ બુધવારે સવારે 6 વાગ્યાથી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે.
શા માટે લેવામાં આવ્યો બંધનો નિર્ણય? – CNG Pump Close
ડીલરોની વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઈને કંપની સાથે અગાઉ ત્રણ વખત બેઠક યોજાઈ ચૂકી છે. જોકે, આ બેઠકો બાદ પણ સંતોષકારક ઉકેલ ન આવતાં ડીલરોએ હવે 24 કલાકના પ્રતિકાત્મક બંધનો નિર્ણય લીધો છે. ડીસા ખાતે યોજાયેલી બેઠકમાં વાવ-થરાદ અને બનાસકાંઠાના કુલ 65 IRM CNG પંપના ડીલરો હાજર રહ્યા હતા અને સર્વસંમતિથી બંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કંપની અને અધિકારીઓ સમક્ષ રજૂઆત
ડીલરોનું કહેવું છે કે તેમણે પોતાના પ્રશ્નો અંગે IRM કંપનીના અધિકારીઓને રૂબરૂ મળીને તેમજ લેખિતમાં અને ઈ-મેલ મારફતે રજૂઆત કરી છે. આ ઉપરાંત બનાસકાંઠા DSO સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હોવાનું ડીલરોએ જણાવ્યું છે. છતાં પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ન આવતા હવે બંધનું પગલું ભરવામાં આવ્યું છે
24 કલાક માટે જ રહેશે બંધ
ડીલરોએ જણાવ્યું કે શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી સામાન્ય લોકોને અને CNG વાહનચાલકોને વધુ મુશ્કેલી ન પડે તે ધ્યાનમાં રાખીને હાલ અનિશ્ચિત સમય માટે બંધ કરવાને બદલે માત્ર 24 કલાકનો પ્રતિકાત્મક બંધ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન કંપનીને વધુ એક અઠવાડિયાનો સમય પણ આપવામાં આવ્યો છે.
ઉકેલ નહીં આવે તો અનિશ્ચિત બંધની ચીમકી
ડીલરોનું કહેવું છે કે જો આ 24 કલાકના બંધ બાદ પણ કંપની દ્વારા તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં અનિશ્ચિત સમય માટે CNG પંપ બંધ કરવાની ફરજ પડી શકે છે.
થરાદના CNG ડીલર સરદારસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અગાઉ 15 ઓગસ્ટ બાદ અનિશ્ચિત સમય માટે પંપ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, શ્રાવણ માસમાં સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તે માટે હાલ 24 કલાકના બંધનો નિર્ણય લેવાયો છે. તેમના જણાવ્યા પ્રમાણે કંપનીને હવે એક અઠવાડિયાનો વધુ સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળામાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો એસોસિયેશન આગળની કાર્યવાહી કરશે.
સોમવારે કલેક્ટરને આવેદનપત્ર અપાશે
ડીલરો સોમવારે કલેક્ટર અને પુરવઠા વિભાગને આવેદનપત્ર આપવાની તૈયારીમાં છે. સાથે જ IRM કંપનીના અધિકારીઓ સાથે એસોસિયેશનની બેઠક યોજીને પ્રશ્નોનો ઉકેલ લાવવા પણ માંગ કરવામાં આવશે. ડીલરોનું કહેવું છે કે તેમનો હેતુ સામાન્ય લોકોને મુશ્કેલીમાં મૂકવાનો નથી, પરંતુ પોતાના પડતર પ્રશ્નો અને યોગ્ય હકનો ન્યાયપૂર્ણ ઉકેલ મેળવવાનો છે.

