‘વર્ક ટૂ રૂલ’(Work-to-rule) થી મહેસુલી કર્મચારીઓનુ આંદોલન શરુ, 45 મુદાના જોબ ચાર્ટ સામે વિરોધ

વાવ-થરાદ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને ‘વર્ક ટૂ રૂલ’(Work-to-rule) આંદોલન શરૂ કર્યું છે. મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ બાદ કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા માંગ કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે અગાઉ થયેલી જિલ્લાફેર બદલીઓ દરમિયાન રેવન્યુ તલાટી અને ક્લાર્કને પ્રમોશન બાદ અન્ય જિલ્લામાં મુકવામાં આવ્યા હતા. જે તે જિલ્લામાં જગ્યાઓ ઉપલબ્ધ હોવા છતાં થયેલી આવી બદલીઓમાં કર્મચારીઓને પરત મુકવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે.

ઈ-ધરા સિસ્ટમ અંગે પણ રજૂઆત – Work-to-rule

કર્મચારીઓએ ઈ-ધરા સિસ્ટમમાં વારંવાર અંગૂઠો આપવા પડતો હોવાના કારણે કામગીરી ધીમી પડતી હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. સિસ્ટમમાં ઝડપ વધારવા અને કર્મચારીઓ પરનો બિનજરૂરી માનસિક તણાવ ઘટાડવા અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

45 મુદ્દાના જોબ ચાર્ટ સામે વાંધો

મહેસૂલી કર્મચારીઓના જણાવ્યા મુજબ, 17 ઓગસ્ટે મહેસૂલી તલાટીઓ માટે 45 મુદ્દાનો જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ ચાર્ટ તૈયાર કરતી વખતે મહેસૂલી કર્મચારી મહામંડળના હોદ્દેદારો તેમજ ધરાતલ પર કામગીરી કરતા કર્મચારીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ છે. કર્મચારીઓનો દાવો છે કે આ 45માંથી 18 મુદ્દા મહેસૂલ વિભાગની સીધી કામગીરી સાથે સંબંધિત નથી.

કર્મચારીઓની અછતથી કામનું ભારણ વધ્યું હોવાનો દાવો

કર્મચારીઓએ મહેસૂલી તલાટીઓની સંખ્યા અને કામગીરીના ભારણનો મુદ્દો પણ રજૂ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આશરે 18 હજાર ગામડાં સામે મહેસૂલી તલાટીઓની મંજૂર જગ્યાઓની સરખામણીએ આશરે 4 હજાર કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.

આ પણ વાચોં: વાવ થરાદ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે 11 શિક્ષકોની પસંદગી, જિલ્લા કક્ષાએ 3 શિક્ષકો પસંદગી

મામલતદાર, પ્રાંત અને કલેક્ટર કચેરીમાં કારકુનની અનેક જગ્યાઓ ખાલી હોવાના કારણે પણ વધારાની કામગીરી મહેસૂલી કર્મચારીઓ પર આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે એક મહેસૂલી તલાટી પાસે 15થી 20 ગામડાંની જવાબદારી આવતી હોય ત્યારે 45 મુદ્દાનો જોબ ચાર્ટ પૂર્ણ કરવો મુશ્કેલ બની શકે છે.

આગામી સમયમાં આંદોલન ઉગ્ર કરવાની ચીમકી

તમામ પડતર પ્રશ્નો અંગે કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી ‘વર્ક ટૂ રૂલ’(Work-to-rule) મુજબ કામગીરી કરવાનો નિર્ણય વ્યક્ત કર્યો છે. જો સરકાર દ્વારા માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં મહામંડળના આદેશ મુજબ હડતાલ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાની ચીમકી પણ આપવામાં આવી છે.

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img