Tharad Diderda: થરાદ તાલુકાના દિદરડા ગામે દરગાહ પાસે ઉભેલી એક અલ્ટો કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.
દિદરડામાં દરગાહ પાસે ઉભેલી અલ્ટો કારમાં ભભૂકી આગ – Tharad Diderda
મળતી માહિતી મુજબ, કારના ચાલક થરાદથી દિદરડા ગામે આવેલી દરગાહ ખાતે આવ્યા હતા. તેમણે પોતાની અલ્ટો કાર દરગાહ પાસે પાર્ક કરી હતી. આ દરમિયાન અચાનક કારમાં આગ લાગી હતી. જોતજોતામાં કારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને આગ વધુ ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. આગની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક દિદરડા ગામે પહોંચી હતી.
ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 4:33 વાગ્યે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે દિદરડા ગામે દરગાહ પાસે ઉભેલી કારમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી છે. જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાચો: થરાદ નગરપાલિકામાં વગર પરિક્ષાએ મળશે નોકરી, તેમજ 30 હજાર સુધી પગાર મળશે
આગમાં કારને ભારે નુકસાન થયું હતું અને કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારના માલિક હમજતખાન રમજાનભાઈ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું છે, જેઓ થરાદમાં મોહરમ ઘર પાસે રહે છે.
સદનસીબે આગની આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. જોકે, કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ઘટનાને લઈને વધુ તપાસ બાદ આગ લાગવાનું સાચું કારણ બહાર આવી શકે છે.

