Tharad Illness Cases Rise: વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. બદલાતા વાતાવરણની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. થરાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં તાવ, શરદી-ખાંસી, ઝાડા-ઉલટી જેવી મોસમી બીમારીઓના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
થરાદની સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધતાં ઓપીડીમાં ભીડ જોવા મળી રહી છે. હોસ્પિટલના તબીબી અધિકારીના જણાવ્યા મુજબ, સોમવારથી શનિવાર દરમિયાન દરરોજ 500થી વધુ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં આવી રહ્યા છે.
આસપાસના ગામોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે – Tharad Illness Cases Rise
થરાદની સરકારી હોસ્પિટલ વાવ-થરાદ જિલ્લાની મહત્વની સરકારી હોસ્પિટલ હોવાથી થરાદ ઉપરાંત આસપાસના અનેક ગામોમાંથી પણ લોકો સારવાર માટે અહીં આવે છે.હાલ મોસમી બીમારીઓના દર્દીઓ વધતાં ઓપીડીમાં પણ પહેલાં કરતાં વધુ ભીડ જોવા મળી રહી છે. દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં વિવિધ વિભાગોના તબીબો અને મેડિકલ સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર! સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવશે
હોસ્પિટલમાં વિવિધ વિભાગના તબીબો ઉપલબ્ધ
હોસ્પિટલના તબીબી અધિકારી ડૉ. કુણાલ માલોસણીયાએ જણાવ્યું હતું કે હાલમાં દરરોજ 500થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે.હોસ્પિટલમાં ફિઝિશિયન, સર્જન, ગાયનેકોલોજિસ્ટ, ઓર્થોપેડિક, ડેન્ટલ સહિતના તબીબો અને અન્ય મેડિકલ ઓફિસરો દ્વારા દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.
વાતાવરણ બદલાય ત્યારે ખાસ કાળજી રાખવી
વાતાવરણમાં વારંવાર ફેરફાર થાય ત્યારે શરદી-ખાંસી અને તાવ જેવી તકલીફો થવાની શક્યતા વધી શકે છે. આવી સ્થિતિમાં પોતાની અને પરિવારની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે.
ડોક્ટરોએ લોકોને બહારનું ખાવાનું ટાળવા અને ઘરનો ગરમ તથા સ્વચ્છ ખોરાક લેવા સલાહ આપી છે. સાથે પૂરતું ચોખ્ખું પાણી પીવું અને આસપાસ સ્વચ્છતા રાખવા પણ અપીલ કરવામાં આવી છે.

