Gujju Love Guru Story: ગુજરાતી મનોરંજન જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે જાણીતા ચંદનભાઈ રાઠોડનું માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન થયું છે. પોતાની આગવી કોમેડી, દેશી લહેકા અને અનોખી રજૂઆતથી તેમણે સોશિયલ મીડિયા પર અલગ ઓળખ બનાવી હતી અને મોટી સંખ્યામાં લોકોના દિલ જીતી લીધા હતા.
ઉતર ગુજરાતના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કોમેડી કલાકાર ચંદન રાઠોડ ઉર્ફે ‘ગુજ્જુ લવ ગુરુ’ (Gujju Love Guru)નું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. તેમના દુઃખદ અવસાનથી વાવ-થરાદ અને સુઈગામ પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
‘ગુજ્જુ લવ ગુરુ’ નામ કેવી રીતે પડ્યું? – Gujju Love Guru Story
ચંદન રાઠોડને લોકો ‘ગુજ્જુ લવ ગુરુ’ના નામથી ઓળખતા હતા, પરંતુ આ નામ પાછળ પણ તેમની કન્ટેન્ટ બનાવવાની એક અલગ જ સ્ટાઈલ હતી. શરૂઆતના સમયમાં તેઓ પ્રેમ, બ્રેકઅપ અને સંબંધોને લગતા મુદ્દાઓ પર મજેદાર વીડિયો બનાવતા હતા. ખાસ વાત એ હતી કે આ બધું તેઓ પોતાના દેશી અંદાજ અને બનાસકાંઠાની બોલીમાં રજૂ કરતા હતા.
યુવાનોને ગમે તેવી વાતોને રમુજી રીતે રજૂ કરવાની તેમની આ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ પડી. પ્રેમ-સંબંધોની વાતોમાં ‘લવ ગુરુ’ તરીકે સલાહ આપવાનો તેમનો અંદાજ અને ગુજરાતી-બનાસકાંઠી ભાષાનો ટચ ધીમે-ધીમે તેમની ઓળખ બની ગયો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ચાહકો તેમને ‘Gujju Love Guru’ તરીકે જ ઓળખવા લાગ્યા.
ગુજ્જુ લવ ગુરુ ની કમાણી કેટલી હતી?
ચંદન રાઠોડે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુ દરમિયાન પોતાની સોશિયલ મીડિયા કમાણી અંગે પણ વાત કરી હતી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે સોશિયલ મીડિયામાંથી તેમને કેટલી આવક થાય છે, ત્યારે તેમણે કહ્યું હતું કે કમાણીનો કોઈ ચોક્કસ આંકડો નક્કી હોતો નથી અને તે સમય પ્રમાણે બદલાતી રહે છે.
આ પણ વાંચો: કોમેડી કિંગ તરીકે જાણીતા એવા Gujju love Guru નું અકસ્માતમાં મોત, ભાભરમાં અકસ્માત નડ્યો હતો
ચંદન રાઠોડના જણાવ્યા મુજબ, અગાઉ જોશ, મોજ સહિતની એપ્સ સાથેના કરારથી પણ આવક થતી હતી, પરંતુ તે સમયે ત્યાંથી કમાણી થઈ રહી ન હતી. તેમના જણાવ્યા પ્રમાણે, મુખ્ય આવક યુટ્યુબમાંથી થતી હતી અને વિવિધ કપાત બાદ દર મહિને આશરે ₹50 હજારથી ₹60 હજાર જેટલી આવક રહેતી હતી. કુલ મળીને સોશિયલ મીડિયા પરથી સરેરાશ ₹60 હજારથી ₹70 હજાર સુધીની કમાણી થતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
જોકે, મહત્વની વાત એ છે કે આ આંકડો આશરે બે વર્ષ જૂના ઇન્ટરવ્યુનો છે. તેથી હાલ તેમની આવક આટલી જ હતી એવું માનવું યોગ્ય નથી. સમય સાથે સોશિયલ મીડિયા પરની કમાણીમાં વધારો-ઘટાડો થઈ શકે છે.
સુઈગામના એક સામાન્ય પરિવારમાંથી આવતા ચંદન રાઠોડે પોતાની આગવી પ્રતિભા અને મહેનતના જોરે સોશિયલ મીડિયામાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેમની મોટી ફેન ફોલોઈંગ હતી. ઇન્સ્ટાગ્રામ પર તેમને 18 લાખથી વધુ ફોલોઅર્સ હતા, જ્યારે તેમની ‘Gujju Love Guru’ નામની યુટ્યુબ ચેનલને 9.85 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ હતા. તેમના અચાનક અવસાનના સમાચારથી તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે.

