ST Bus Pass: રાજ્યમાં એસ.ટી. બસમાં દરરોજ અપડાઉન કરતા નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૈનિક મુસાફર પાસ યોજનાના નિયમોમાં ફેરફાર કરીને મુસાફરોને હવે 50 ટકા સુધીની ભાડા રાહત આપવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના 2.5 લાખથી વધુ દૈનિક મુસાફરોને સીધો આર્થિક લાભ મળવાનો છે. આ ફેરફારથી નિયમિત મુસાફરી કરતા લોકોના ખિસ્સા પરનો બોજ ઘટશે.
માસિક પાસ સસ્તો કરવામાં આવ્યો – ST Bus Pass
GSRTC દ્વારા માસિક મુસાફર પાસ(ST Bus Pass)ના ભાડાના નીયમોમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ એક મહિનાના પાસ માટે મુસાફરોએ 18 દિવસના ભાડાની રકમ ચૂકવવી પડતી હતી. હવે આ રકમ ઘટાડીને માત્ર 15 દિવસનું ભાડું કરવામાં આવ્યું છે. એટલે કે, મુસાફરો હવે માત્ર 15 દિવસના ભાડામાં સંપૂર્ણ 30 દિવસ સુધી અમર્યાદિત મુસાફરીનો લાભ લઈ શકશે. રોજ બસમાં અપડાઉન કરતા નોકરિયાતો અને વેપારીઓ માટે આ નિર્ણયથી દર મહિને સારી એવી બચત થઈ શકે છે.
ત્રિમાસિક પાસમાં પણ રાહત
માસિક પાસ(ST Bus Pass)ની સાથે ત્રિમાસિક પાસના ભાડામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ ત્રણ મહિનાના પાસ માટે 54 દિવસના ભાડા જેટલી રકમ લેવામાં આવતી હતી. હવે મુસાફરોએ માત્ર 45 દિવસનું ભાડું ચૂકવવાનું રહેશે. આ રીતે 45 દિવસના ભાડામાં મુસાફરોને 90 દિવસ એટલે કે ત્રણ મહિના સુધી અમર્યાદિત મુસાફરી કરવાની સુવિધા મળશે.
2.5 લાખથી વધુ મુસાફરોને થશે ફાયદો
GSRTCના આ લોકહિતલક્ષી નિર્ણયથી રોજગાર, ધંધા-વ્યવસાય કે અન્ય કામ માટે એક શહેરથી બીજા શહેર અથવા ગ્રામ્ય વિસ્તારમાં દરરોજ મુસાફરી કરતા લોકોને મોટો આર્થિક લાભ મળશે. ખાસ કરીને નોકરિયાતો, નાના-મોટા વેપારીઓ અને રોજ અપડાઉન કરતા મુસાફરો માટે ST Bus Passના ભાડામાં ઘટાડો સીધી બચત કરાવશે. દર મહિને મુસાફરી પાછળ થતો ખર્ચ ઓછો થતાં સામાન્ય પરિવારોને પણ રાહત મળશે.
ખાનગી વાહનોની જગ્યાએ ST સેવાને પ્રોત્સાહન
નિગમના જણાવ્યા પ્રમાણે, આ નિર્ણયનો હેતુ માત્ર મુસાફરોને ભાડામાં રાહત આપવાનો જ નથી. ઓછા ખર્ચે પાસની સુવિધા મળવાથી વધુ લોકો ખાનગી વાહનોના બદલે રાજ્ય પરિવહનની સલામત, સુવિધાજનક અને ગુણવત્તાસભર બસ સેવાનો ઉપયોગ કરે તેવો પણ પ્રયાસ છે. આ નિર્ણયથી નિયમિત મુસાફરોને આર્થિક રાહત મળવાની સાથે જાહેર પરિવહન સેવાનો ઉપયોગ પણ વધવાની શક્યતા છે.
બસ પાસ કેવી રીતે કઢાવવો
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે ઘરે બેઠા ઈ-પાસ (E-Pass) ની સુવિધા આપે છે. દૈનિક મુસાફરોને હવે 50% સુધીની આર્થિક રાહત પણ મળવાપાત્ર છે.
ઓનલાઈન પદ્ધતિ:
- GSRTC ની ઓફિસિયલ વેબસાઈટ(www.gsrtc.in) પર જઈને અથવા તેમની એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.
- જરૂરી વિગતો ભરી, ઓનલાઈન પેમેન્ટ કરીને ડિજિટલ પાસ ડાઉનલોડ કરી શકાય છે.
ઓફલાઈન પદ્ધતિ:
- નજીકના મુખ્ય એસટી ડેપો (ST Depot) પર જઈને પાસ માટેનું GSRTC Student/Passenger Pass Form મેળવવું.
- ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે ડેપોના બસ પાસ કાઉન્ટર પર જમા કરાવવું

