Water Crisis in Tadav ધરણીધર તાલુકાના ટડાવ ગામે વ્હાલપલની વસાહતમાં રહેતા આશરે 35 પરિવારો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સરકાર અને VSSM સંસ્થા દ્વારા વિચરતી જાતિ સમુદાયના પરિવારો માટે ટડાવ ગામથી અંદાજે દોઢથી બે કિલોમીટર દૂર શીતળા માતાજીના મંદિર સામેના વિસ્તારમાં વસાહત બનાવવામાં આવી છે. પરિવારોને રહેવા માટે મકાન, પ્લોટ અને વીજળી જેવી સુવિધાઓ આપવામાં આવી હોવા છતાં પીવાના પાણીની સમસ્યા હજુ યથાવત છે.
સ્થાનિક પરિવારોના જણાવ્યા મુજબ, વસાહતમાં બોર બનાવવામાં આવ્યો છે, પરંતુ બોરનું પાણી ખારું હોવાથી તે પીવા યોગ્ય નથી. બીજી તરફ, પીવાના પાણી માટે પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમાં નિયમિત પાણી આવતું ન હોવાના કારણે તેનો પણ યોગ્ય લાભ મળતો નથી.
પાણીની સમસ્યાને કારણે વસાહતમાં રહેતા પરિવારોને પીવાનું પાણી મેળવવા માટે દોઢથી બે કિલોમીટર સુધી રઝળપાટ કરવી પડી રહી છે. કેટલાક પરિવારોને મજબૂરીમાં પાણી ખરીદીને લાવવું પડે છે. જ્યારે અન્ય સ્થળના બોરમાંથી પાણી લાવવામાં આવે છે, ત્યારે પાણી મોળું હોવાના કારણે આરોગ્ય સંબંધિત મુશ્કેલી સર્જાતી હોવાની પણ પરિવારો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.
આ સમસ્યા માત્ર એક વસાહત પૂરતી મર્યાદિત ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. ધરણીધર તાલુકાના 10 ગામોના સરપંચો દ્વારા પીવાના પાણીની સમસ્યાને લઈને કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, રજૂઆત બાદ પણ હજુ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.
સરપંચ સંગઠનના પ્રમુખ કિરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, પીવાના પાણી માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યા યથાવત છે. ત્યારે વ્હાલપલની વસાહતમાં રહેતા 35 જેટલા પરિવારોને તાત્કાલિક અને કાયમી ધોરણે પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.
Water Crisis in Tadav

Home Page : Click Here
Instagram Page : Click Here