August Kranti Movement: વાવ-થરાદ જિલ્લામાં ભારતીય મજૂર સંઘ દ્વારા 17 ઓગસ્ટના રોજ ‘ઓગસ્ટ ક્રાંતિ’ આંદોલન યોજવામાં આવ્યું હતું. દેશવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલા આ આંદોલનમાં વિવિધ મજૂર સંગઠનોના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. રેલી અને ધરણાં-પ્રદર્શન બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી.
આઉટસોર્સ કર્મચારીઓ માટે લઘુત્તમ વેતનની માંગ – August Kranti Movement
મજૂર સંઘ દ્વારા ખાસ કરીને આઉટસોર્સિંગ હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે લઘુત્તમ વેતન અને અન્ય હક્કો આપવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ‘સમાન કામ, સમાન પગાર’ના મુદ્દે પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય મજૂર સંઘના વાવ-થરાદ જિલ્લા મહામંત્રી ચૌહાણ થાનસિંહે જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજનની બહેનો, આશા વર્કર્સ, કેળાગર બહેનો, આંગણવાડી યુનિયનો તેમજ રિક્ષા એસોસિએશન સહિતના વિવિધ સંગઠનોના પ્રશ્નો લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે.
વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો જોડાયા
આંદોલન દરમિયાન મજૂર સંગઠનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈને કર્મચારીઓના હક અને પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે અવાજ ઉઠાવ્યો હતો. આંદોલન પૂર્ણ થયા બાદ મજૂર સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં વિવિધ સંગઠનોની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર કરવાની ચીમકી
મજૂર સંઘે જણાવ્યું હતું કે કર્મચારીઓના વેતન અને હક્કોને લગતા પ્રશ્નોનું યોગ્ય અને ઝડપી નિરાકરણ લાવવામાં આવે તેવી તેમની માંગ છે. જો સરકાર દ્વારા તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.

