BJP new team: ભારતીય જનતા પાર્ટી (BJP)એ સંગઠનમાં મોટો ફેરફાર કરતા વિવિધ રાજ્યો માટે નવા પ્રભારીઓની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની આગેવાની હેઠળ જાહેર કરાયેલી નવી ટીમમાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વના રાજ્યોની જવાબદારી નવા નેતાઓને સોંપવામાં આવી છે.
ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચુગ – BJP New Team
BJP ભાજપના સંગઠનની મહત્વપૂર્ણ જવાબદારી હવે તરુણ ચુગને સોંપવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ તરુણ ચુગ અગાઉ પણ ભાજપ સંગઠનમાં અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. ગુજરાત ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. ત્યારે આગામી ચૂંટણી અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી તરુણ ચુગની નિમણૂકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશની જવાબદારી વિનોદ તાવડેને
ભાજપે ઉત્તર પ્રદેશ જેવા મહત્વના રાજ્ય માટે રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભા સાંસદ વિનોદ તાવડેને પ્રભારી બનાવ્યા છે. તેમની સાથે જગદીશ ઈશ્વરભાઈ પટેલને સહ-પ્રભારીની જવાબદારી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિમણૂકને પાર્ટીની ચૂંટણી તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવી રહી છે.
પંજાબની કમાન સતીશ પુનિયાને
પંજાબમાં ભાજપે રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્યસભા સાંસદ ડો. સતીશ પુનિયાને પ્રભારી બનાવ્યા છે. પંજાબમાં પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા અને જનાધાર વધારવાની જવાબદારી હવે તેમના પર રહેશે.
નવી ટીમમાં દિગ્ગજ નેતાઓને પણ સ્થાન
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં અનેક જાણીતા નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ RSS નેતા રામ માધવ અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે.
આ ઉપરાંત પીયૂષ ગોયલને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે સંગઠન મહામંત્રી તરીકે બી. એલ. સંતોષને યથાવત રાખવામાં આવ્યા છે. મીડિયા સંબંધિત જવાબદારી અનિલ બલૂની પાસે જ રહેશે, જ્યારે સોશિયલ મીડિયાની જવાબદારી દીપક મ્હાસ્કેને સોંપવામાં આવી છે.
આ પણ વાચોં: ભાજપની નવી ટીમમાં મોટો ફેરફાર: વસુંધરા રાજે અને સ્મૃતિ ઈરાનીને મોટું સ્થાન, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ
ભાજપ દ્વારા કરવામાં આવેલા આ સંગઠનાત્મક ફેરફારોને આગામી વિધાનસભા ચૂંટણીઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. મહત્વના રાજ્યોમાં નવા પ્રભારીઓની નિમણૂક કરીને પાર્ટીએ ચૂંટણી પહેલાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકેત આપ્યો છે.

