Van Mahotsav: વાવ-થરાદ જિલ્લાના દેલનકોટ ગામે આવેલા જય સંભુગીરી બાપુના ધોરા ખાતે 77મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા હતા.
આ કાર્યક્રમમાં ખાસ વાત એ રહી કે દેલનકોટ ગામના 226 દંપતીઓએ વૃક્ષારોપણ કર્યું. વૃક્ષો વાવીને માત્ર ફોટો પડાવવા પૂરતું નહીં, પરંતુ તેનું જતન કરવાની પણ અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.બી. ટાંક, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, નિવાસી અધિક કલેક્ટર તુષાર જાની, સામાજિક વનીકરણ વિભાગના વન સંરક્ષક ડૉ. રેણુકાબેન દેસાઈ સહિત વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો, આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા.
226 દંપતીઓએ સાથે મળીને વૃક્ષો વાવ્યાં – Van Mahotsav
વન મહોત્સવ(Van Mahotsav) દરમિયાન દેલનકોટના 226 દંપતીઓએ વૃક્ષારોપણ કર્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ જિલ્લામાં હરિયાળી વધારવાની સાથે લોકોમાં વૃક્ષો પ્રત્યેની જવાબદારીની ભાવના ઊભી કરવાનો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. નવી પેઢી પર્યાવરણ સાથે જોડાય અને વૃક્ષોના મહત્વને સમજે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો.
‘વૃક્ષ રથ’ને પણ લીલી ઝંડી
વન મહોત્સવ(Van Mahotsav) દરમિયાન લોકોમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ પહોંચાડવા માટે ‘વૃક્ષ રથ’ શરૂ કરવામાં આવ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પણ વાચો: UGCના નવા નિયમોને લઈને થરાદમાં વિરોધ, જાણો શું છે સમિતિની મુખ્ય માંગ
શંકરભાઈ ચૌધરીએ શું કહ્યું?
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા કક્ષાનો વન મહોત્સવ(Van Mahotsav) યોજાઈ રહ્યો છે તે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં સરકાર અને લોકો વચ્ચેનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે. વૃક્ષો વાવવાની સાથે તેનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે.
તેમણે ખાસ કરીને નવી પેઢીને વૃક્ષો સાથે જોડવાની વાત કરી. તેમના જણાવ્યા મુજબ આજે વાવેલું વૃક્ષ આવનારી પેઢી માટે એક યાદગાર વારસો બની શકે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે ભવિષ્યમાં સંભુગીરીના દર્શન કરવા આવનાર નવી પેઢી કહી શકે કે “આ વૃક્ષ મારા મા-બાપ કે દાદા-દાદીએ વાવ્યું હતું.”
વાવ-થરાદમાં પાણીનું મહત્વ પણ સમજાવ્યું
વાવ-થરાદ વિસ્તાર પાણીની દૃષ્ટિએ મહત્વનો હોવાથી શંકરભાઈ ચૌધરીએ પાણી બચાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું કે વિસ્તારમાં તળાવો ભરાય અને પાણીની ઉપલબ્ધતા વધે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ વિકાસના કામોમાં સરકાર સાથે લોકોની ભાગીદારી પણ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાવા અપીલ
રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ પર્યાવરણ બચાવવા વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન સાથે જોડાઈને વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાનો સંકલ્પ લેવા જણાવ્યું.
તેમણે કહ્યું કે પર્યાવરણ, પ્રકૃતિ અને પાણી બચાવવાની જવાબદારી માત્ર સરકારની નથી, પરંતુ સમાજના દરેક વ્યક્તિની છે.

