Cyber Safety First! : વાવ-થરાદ જિલ્લા સાયબર સેલ દ્વારા થરાદ સ્થિત ગુરૂકુળ વિદ્યામંદિરમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વધતા સાયબર ગુનાઓ અંગે જાગૃતિ લાવવાનો અને ડિજિટલ પ્લેટફોર્મનો સુરક્ષિત ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપવાનો હતો.
સાયબર સેલના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવાએ વિદ્યાર્થીઓને ATM ફ્રોડ, Google Search ફ્રોડ, Voice Cloning, Remote Access App, Online Shopping Fraud, Instant Loan Fraud, Investment Scam, Matrimonial Fraud, Gaming અને Trading Fraud, Nude Video Call Scam, Digital Arrest, Cyber Bullying, SIM Card Swapping, Fake Website તેમજ Aadhaar સંબંધિત ફ્રોડ વિશે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ આવા ગુનાઓથી કેવી રીતે બચી શકાય તે અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું.
સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવવું, અન્ય વ્યક્તિને હેરાન કરવી અથવા ખોટી માહિતી ફેલાવવી કાયદેસર ગુનો હોવાનું સમજાવવામાં આવ્યું. તેમજ માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ (IT Act) હેઠળ આવા ગુનાઓ માટેની સજાની જોગવાઈઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા.
સાયબર ફ્રોડનો ભોગ બન્યાની સ્થિતિમાં તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરવો અને NCCRP પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત 181 અભયમ ટીમના કાઉન્સેલર બિનલબેન વણકર દ્વારા મહિલા સુરક્ષા, જાતીય સતામણી સામે સાવચેતી રાખવા અને મુશ્કેલીના સમયે ઉપલબ્ધ સરકારી સેવાઓનો ઉપયોગ કરવા અંગે દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.
સેમિનારમાં વિદ્યાર્થીઓને 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન, 108 એમ્બ્યુલન્સ, 101 ફાયર, 181 મહિલા હેલ્પલાઇન, 1033 NHAI અને 1962 એનિમલ હેલ્પલાઇન સહિત વિવિધ સરકારી હેલ્પલાઇનની માહિતી પણ આપવામાં આવી હતી. ઉપરાંત CEIR પોર્ટલ, M-કવચ-2 એપ, સંચારસાથી એપ અને ગુજરાત પોલીસ સિટીઝન પોર્ટલના ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ChatGPT સહિત AI આધારિત ડિજિટલ સાધનોનો જવાબદારીપૂર્વક, સાવધાનીપૂર્વક અને હકારાત્મક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી. વક્તાઓએ જણાવ્યું કે ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ જ ડિજિટલ યુગમાં સુરક્ષિત અને સફળ જીવનની ચાવી છે.
Cyber Safety First સાયબર જાગૃતિ સેમિનારથી વિદ્યાર્થીઓમાં ઓનલાઈન સુરક્ષા અંગે જાગૃતિ વધી હતી અને ડિજિટલ દુનિયામાં સાવચેતી રાખવાની મહત્વપૂર્ણ સમજ પ્રાપ્ત થઈ હતી.
Cyber Safety First!
