Morikha Youth Death Case: વાવ તાલુકાના મોરીખા ગામના યુવક લખીરામભાઈના શંકાસ્પદ મોતના કેસમાં હવે તપાસ અધિકારી બદલવામાં આવ્યા છે. પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા તપાસ અંગે અસંતોષ વ્યક્ત કરી રજૂઆત કરવામાં આવ્યા બાદ બનાસકાંઠા રેન્જ IG દ્વારા કેસની તપાસ સિદ્ધપુર DYSP કે.કે. પંડ્યાને સોંપવામાં આવી છે. આ કેસમાં હાલ આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગે ફરિયાદ નોંધાયેલી છે. જોકે, પરિવાર અને આંદોલનકારીઓનો આક્ષેપ છે કે યુવકનું મોત આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની શક્યતા છે અને આ મામલે કલમ 302 હેઠળ કાર્યવાહી થવી જોઈએ.
નવા તપાસ અધિકારીએ પરિવાર સાથે કરી બેઠક – Morikha Youth Death Case
તપાસની જવાબદારી મળ્યા બાદ સિદ્ધપુર DYSP કે.કે. પંડ્યાએ પીડિત પરિવાર અને સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન કેસ સાથે જોડાયેલા દસ્તાવેજો અને રજૂઆતો અંગે માહિતી મેળવવામાં આવી હતી. નવા તપાસ અધિકારી દ્વારા સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું પરિવાર અને આગેવાનોનું કહેવું છે.
7 દિવસ માટે ધરણાં મોકૂફ
તપાસ અધિકારી બદલાયા બાદ આંદોલનકારીઓએ હાલના તબક્કે 7 દિવસ માટે ધરણાં મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે આંદોલન સમેટવામાં આવ્યું નથી, પરંતુ તંત્રને કાર્યવાહી માટે સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન કેસમાં કલમ 302 ઉમેરવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ પણ વાચો: વાવ થરાદ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે 11 શિક્ષકોની પસંદગી, જિલ્લા કક્ષાએ 3 શિક્ષકો પસંદગી
કાર્યવાહી નહીં થાય તો ફરી ધરણાં
સમાજના આગેવાન પથુભાઈ રાઠોડે જણાવ્યું કે જો આગામી 7 દિવસમાં વચન મુજબ કાર્યવાહી નહીં થાય અને કલમ 302 ઉમેરવા માટે કોર્ટમાં અરજી નહીં કરવામાં આવે, તો આઠમા દિવસે ફરીથી ધરણાં શરૂ કરવામાં આવશે. હવે પરિવાર અને સમાજની નજર આગામી સાત દિવસમાં તપાસ અધિકારી દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પર છે. કેસમાં તપાસ આગળ વધતાં હકીકત શું બહાર આવે છે તેના પર સૌની નજર રહેશે.

