new e challan rules: ગુજરાતના વાહનચાલકો માટે મહત્વના સમાચાર છે. ટ્રાફિક નિયમો સાથે જોડાયેલા ઈ-ચલણની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે ગુજરાત પોલીસે 12 ઓગસ્ટ, 2026થી ‘નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ’ લાગુ કરી છે. નવી વ્યવસ્થા હેઠળ ખોટું ચલણ થયું હોય તો વાહનમાલિકને ઓનલાઈન વાંધો ઉઠાવવાની તક પણ મળશે.
ચલણ ભરવા માટે 45 દિવસનો સમય
નવું ઈ-ચલણ જનરેટ થયા બાદ વાહનમાલિકને 45 દિવસમાં દંડ ભરવાનો અથવા ચલણ સામે વાંધો રજૂ કરવાનો સમય મળશે.જો તમને લાગે કે ચલણ ખોટી રીતે આપવામાં આવ્યું છે, તો આ સમયગાળા દરમિયાન પરિવહન પોર્ટલ મારફતે ઓનલાઈન ફરિયાદ કરી શકાશે.
ખોટું e challan હોય તો ફરિયાદ કેવી રીતે કરવી?
- ફરિયાદ કરવા માટે પહેલા પરિવહન પોર્ટલ પર તમારો ચાલુ મોબાઈલ નંબર અપડેટ કરવો પડશે.
- ત્યારબાદ ચલણ ખોટું હોવાના સમર્થનમાં તમારી પાસે રહેલા જરૂરી દસ્તાવેજો અથવા પુરાવા ઓનલાઈન અપલોડ કરીને ફરિયાદ કરી શકાશે.
- ફરિયાદની સ્થિતિ અંગેના અપડેટ પણ SMS મારફતે મળી શકે છે.
30 દિવસમાં ફરિયાદનો નિર્ણય
ફરિયાદ મળ્યા બાદ પોલીસ વિભાગ પુરાવાની તપાસ કરશે અને સામાન્ય રીતે 30 દિવસમાં ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે.જિલ્લા કક્ષાએ આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ DySP કક્ષાના અધિકારી કરશે, જ્યારે PI કક્ષાના અધિકારી ફરિયાદ સાથે જોડાયેલા પુરાવાની તપાસ કરીને નિર્ણય લેશે. આમ, e challan જનરેટ થવાથી લઈને ફરિયાદના નિકાલ સુધીની પ્રક્રિયા વધુમાં વધુ 75 દિવસ સુધી જઈ શકે છે.
ચલણ યોગ્ય ઠરે તો દંડ ભરવો પડશે
જો તપાસ બાદ પોલીસનું માનવું હોય કે ચલણ યોગ્ય રીતે આપવામાં આવ્યું છે, તો વાહનમાલિકે દંડ ભરવો પડશે.જો 75 દિવસ બાદ પણ દંડ ભરવામાં નહીં આવે, તો પરિવહન પોર્ટલ પર વાહનના ડ્રાઇવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન સંબંધિત સેવાઓ અટકાવવામાં આવી શકે છે.
આ પણ વાંચો: 15 ઓગસ્ટ પછી ખેડૂતોની શુ લાભ થશે?, અહીથી જાણો સંપુર્ણ માહિતી
પોલીસના નિર્ણયથી સંતોષ ન હોય તો?
જો ફરિયાદનો નિર્ણય વાહનમાલિકની તરફેણમાં ન આવે અને તે મામલો કોર્ટમાં લઈ જવા માંગે, તો કોર્ટમાં અપીલ કરવાની જોગવાઈ છે. આપેલી માહિતી મુજબ આ માટે ચલણની કુલ રકમના 50 ટકા જમા કરાવવાની શરત રહેશે.

