Banas Dairy: બનાસ ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભા આજે વાવ-થરાદ જિલ્લાના સણાદર ડેરી પ્લાન્ટ ખાતે યોજાઈ હતી. સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે ₹2,946.77 કરોડના ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી હતી. જાહેરાત થતાં જ સભામાં ઉપસ્થિત પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
- ₹2,239.27 કરોડ — બનાસ ડેરી સંઘનો ભાવફેર
- ₹707.50 કરોડ — દૂધ મંડળીઓનો ભાવફેર
- કુલ ₹2,946.77 કરોડ
એટલે કે બનાસ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે આ વર્ષની સાધારણ સભામાં સૌથી મોટી આર્થિક જાહેરાત કરવામાં આવી છે.
સભા દરમિયાન વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ટોપ-10 મહિલા પશુપાલકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. રક્ષાબંધન પર્વ પહેલાં મળેલી આ મોટી જાહેરાતથી ખુશ થયેલી પશુપાલક બહેનોએ ચેરમેન શંકરભાઈ ચૌધરીને રાખડી બાંધીને આભાર વ્યક્ત કર્યો હતો. સભામાં રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્યો લવિંગજી ઠાકોર, કેશાજી ચૌહાણ, અનિકેતભાઈ ઠાકર અને માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, બનાસ ડેરીનું નિયામક મંડળ, સહકારી આગેવાનો, અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
દર મહિને પશુપાલકોના ખાતામાં ₹1,422 કરોડ – Banas Dairy
ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સભામાં બનાસ ડેરીની(Banas Dairy) વિકાસયાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું કે આજે બનાસકાંઠા જિલ્લામાં દર મહિને આશરે ₹1,422 કરોડની દૂધની આવક સીધી પશુપાલકોના ખાતામાં જમા થાય છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2000માં આ આવક માત્ર ₹20 કરોડ પ્રતિ મહિના હતી, જ્યારે 2014માં તે વધીને ₹287 કરોડ થઈ હતી.
સણાદરમાં નવો મિલ્ક પાવડર પ્લાન્ટ
પશુપાલકો માટે બીજી મહત્વની જાહેરાત સણાદર ખાતે બની રહેલા 150 મેટ્રિક ટન ક્ષમતાના મિલ્ક પાવડર પ્લાન્ટ અંગે કરવામાં આવી. આ પ્લાન્ટનો એક મહત્વનો હેતુ દૂધનું ઉત્પાદન વધુ હોય ત્યારે પણ દૂધનો નિકાલ થઈ શકે અને પશુપાલકોને ‘મિલ્ક હોલિડે’નો સામનો ન કરવો પડે તે માટે સણાદર ખાતે નવો મિલ્ક પાવડર પ્લાંટ બનાવવામાં આવશે.
આ પણ વાચો: પશુપાલકો માટે ખુશીના સમાચાર, બનાસ ડેરી દ્વારા 18.04 ટકાનો ભાવ વધારો જાહેર
બટાકા પ્રોસેસિંગની ક્ષમતા ત્રણ ગણી થશે
ખેડૂતો માટે પણ સભામાં મહત્વની માહિતી આપવામાં આવી. બનાસ ડેરીના(Banas Dairy) બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટની ક્ષમતા 50 ટનથી વધારીને 150 ટન કરવામાં આવી છે. આનાથી બનાસકાંઠા અને આસપાસના બટાકા ઉત્પાદકોને તેમના પાકના પ્રોસેસિંગ માટે વધુ તક મળી શકે છે. આ પ્લાંટ થકી ખેડુતોને વધારે ફાયદો થશે.
રાયડો અને મગફળીમાંથી બનશે શુદ્ધ કાચી ઘાણીનું તેલ
બાદરપુરા ખાતે રાયડો અને મગફળીનું 100 ટકા શુદ્ધ કાચી ઘાણીનું તેલ બનાવવાનો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હોવાની માહિતી પણ આપવામાં આવી. આ પ્રકલ્પથી સ્થાનિક કૃષિ પેદાશોના મૂલ્યવર્ધનને પ્રોત્સાહન મળવાની શક્યતા છે.

