CNG Pump Strike: બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં આજે CNG પંપ બંધ રહેતાં CNG વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીલરોની વિવિધ માંગણીઓનો કંપની તરફથી યોગ્ય ઉકેલ ન આવતા બનાસકાંઠા, વાવ અને થરાદ વિસ્તારના કુલ 65 CNG પંપ સવારે 6 વાગ્યાથી બંધ રાખવામાં આવ્યા છે.
ડીલર એસોસિએશન દ્વારા અગાઉ પણ કંપની સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, માંગણીઓ અંગે સંતોષકારક નિર્ણય ન આવતા ડીલરોએ હડતાળનું પગલું ભર્યું છે.
2020 બાદ કમિશનમાં વધારો નહીં થયાનો ડીલરોનો દાવો – CNG Pump Strike
ડીલરોના જણાવ્યા મુજબ, વર્ષ 2020 બાદ ડીલર કમિશનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ પંપ ચલાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં હાલના કમિશનથી ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બની રહ્યું હોવાનો ડીલરોનો દાવો છે. ડીલરો દ્વારા કંપની સમક્ષ કમિશનમાં વધારો કરવા સહિત અનેક માંગણીઓ રજૂ કરવામાં આવી છે.
આ છે ડીલરોની મુખ્ય માંગણીઓ – CNG Pump Strike
- ડીલર એસોસિએશન દ્વારા કંપની સમક્ષ મુખ્યત્વે:
- ડીલર કમિશનમાં વધારો કરવો
- મોડા મળતા પેમેન્ટનો સમયસર નિકાલ કરવો
- બ્રાન્ડિંગના ખર્ચમાં સહાય આપવી
- CNG સ્ટેશનના જાળવણી ખર્ચમાં મદદ કરવી
- નવા CNG સ્ટેશન માટેની મંજૂરી પ્રક્રિયામાં ફેરફાર કરવોજેવી માંગણીઓ કરવામાં આવી છે.
ડીલરોનું કહેવું છે કે હડતાળ પહેલાં કંપનીને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા આખરે પંપ બંધ રાખીને વિરોધ નોંધાવવો પડ્યો છે.
દરરોજ 2 લાખ કિલો CNGનું વેચાણ
બનાસકાંઠા, વાવ અને થરાદ વિસ્તારમાં દરરોજ અંદાજે 2 લાખ કિલો CNGનું વેચાણ થતું હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે એકસાથે 65 પંપ બંધ થતાં તેની સીધી અસર CNG વાહનચાલકો પર પડી રહી છે. ખાસ કરીને રિક્ષાચાલકો, ઈકો કાર ચાલકો અને અન્ય CNG વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાવ-થરાદ સરહદી વિસ્તાર હોવાથી બહારથી આવતા વાહનચાલકોને પણ CNG ન મળવાના કારણે પરેશાની થઈ રહી છે અને કેટલાક લોકોને વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.
આ પણ વાચોં: અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, હવે 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી, જાણો સંપુર્ણ માહીતી
ડીલરોને પણ મોટું આર્થિક નુકસાન
CNG Pump Strike: એક તરફ પંપ બંધ હોવાથી વાહનચાલકો પરેશાન છે, તો બીજી તરફ હડતાળના કારણે CNG ડીલરોને પણ વેચાણ બંધ રાખવાથી મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ડીલરોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. જોકે, સામાન્ય લોકોને વધુ મુશ્કેલી ન પડે તે માટે કંપની વહેલી તકે ચર્ચા કરીને યોગ્ય ઉકેલ લાવે તેવી આશા પણ ડીલરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

